ગુજરાતમાં ગત મહિને અસામાજિક તત્વોના કેટલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા? જાણો ડીજીપીએ શું કહ્યું

એકતાનગરઃ ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી “મંથલી ક્રાઈમ કોન્ફરન્સ” નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાઈ હતી. જેમાં ડીજીપી વિકાસ સહાયે માહિતી કે, રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી યથાવત રહી હતી. રાજયમાં અસામાજિક તત્વોના 750થી વધુ બાંધકામો તોડી પડાયા હતા. સરકારી જમીન પરના 623 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગેરકાયદે મકાન, દુકાન, કોમ્પલેક્ષસ, ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યા હતા. આ બેઠકમાં છેલ્લા એક મહિનામાં કરાયેલી કામગીરીની સમીક્ષા તેમજ આવનારા સમયની રણનીતિ, પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ જનહિતના મુદ્દાઓ પર વધુ અસરકારક રીતે કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.
કેટલા વ્યાજખોરોને ઝડપવામાં આવ્યા
મંથલી ક્રાઈમ કોન્ફરજન્સમાં આપવામાં આવેલી માહિતી મુજબ, જુલાઇ મહિનામાં વ્યાજખોરીના 65 કેસ નોંધાયા હતા અને ફરિયાદને આધારે 105 વ્યાજખોરોને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુ વર્ષમાં વ્યાજખોરીની કુલ 400 ફરિયાદો નોંધાઇ હતી, 956 વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. 434 જેટલા ફરાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ જામીન પર છૂટી ગુનો આચરતા 106 આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
તેરા તુજકો અર્પણ અંતર્ગત 25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તબક્કે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના સકંજામાંથી મુક્તિ મળે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલો કિંમતી સામાન સહિતનો મુદ્દામાલ તેના માલિકોને પરત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કોર્ટ સાથે સંકલન સાધીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમના માધ્યમથી જુલાઈ મહિનામાં રાજ્યભરમાં 761 કાર્યક્રમો થકી 25 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 127 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ તેના માલિકોને પરત આપવામાં આવ્યો હતો.
સાઈબર ક્રાઈમને ડામવા શું કામગીરી થઈ
ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમને ડામવા તથા ગુનેગારો સામે કાર્યવાહીને વધુ મજબૂત કરવા “ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ”ની શરૂઆત કરવામાં આવી હતી. સાઈબર ક્રાઈમ અંતર્ગત લોકો સાથે થયેલા છેતરપિંડીના કેસમાં જુલાઈ મહિનામાં અંદાજિત રૂપિયા 28 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી હતી. તેવી જ રીતે વિવિધ ગુનામાં ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે થઈ રહેલી કામગીરી પૈકી જુલાઈ મહિનામાં 434 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના 251 આરોપી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા.
આપણ વાંચો: સાયબર માફિયાઓમાં ફફડાટઃ ક્રિપ્ટો કરન્સી રેકેટના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી…