નર્મદા

દારુની હેરાફેરીની ‘કીમિયો’ જોઈને પોલીસ ચોંકી ગઈ, જાણો નર્મદા જિલ્લાનો કિસ્સો?

નર્મદા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ બુટલેગરો હોળીના તહેવાર પૂર્વે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નીતનવા કીમિયો અપનાવે છે ત્યારે નર્મદા જિલ્લામાં દારૂ લઈ જવાનો બુટલેગરનો કીમિયો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાગબારા પોલીસને મળેલી બાતમીના આધારે નર્મદા જિલ્લાના ઘનશેરા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને મહારાષ્ટ્રથી આવતી સેન્ટ્રો કારમાં 190 બોટલ દારૂ સહિત 2.66 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતી સેન્ટ્રો કારમાં વચ્ચેની શીટની નીચે ચોરખાનું બનાવી, તેમાં વિદેશી દારૂની બોટલો ભરી ગુજરાતના ઘનશેરા, સાગબારા થઈ ગુજરાતમાં પસાર થવાની છે. જેના આધારે સાગબારા પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી હતી. ધનશેરા આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર બાતમી વાળી ગાડીની વોચમાં હાજર હતા તે દરમ્યાન 7:30 વાગ્યા સુમારે મહારાષ્ટ્ર તરફથી આવતી ગાડીને રોકવામાં આવી હતી.

કુલ 2,66 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે બાતમી મુજબની ગાડીને રોડની સાઇડમા ઉભી રખાવી ચેક કરતા કારની વેચ્ચેની શીટની નીચે તેમ જ ગાડીની લાઇટમાં ચોરખાનુ બનાવી તેમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી 190 નંગ બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત 61,720 રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 2,66,720 રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો…વડોદરામાં 60 વર્ષના વૃદ્ધે સગીરાને પીંખી નાખી, આ રીતે ભાંડો ફૂટ્યો

બે આરોપીની ધરપકડ
પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં સુરતના કામરેજ તાલુકાના વેલંજા ગામના રહેવાસી હસમુખભાઈ પોપટભાઈ માથુકીયા તેમ જ તેમને આ ગુનામાં મદદ કરવા બદલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ખાપરના રહેવાસી કિશોર શીવાનંદ ચૌધરીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button