ચૈતર વસાવાને કેમ જેલમાં ધકેલવામાં આવ્યો? કેજરીવાલે ડેડીયાપાડાની સભામાં કર્યો મોટો ખુલાસો

ડેડીયાપાડાઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડામાં યોજાયેલી જંગી સભાને સંબોધિત કરી હતી. ભારે વરસાદ વચ્ચે પણ લોકોની અડગ હાજરી જોઈને કેજરીવાલે આદિવાસી સમાજના આ પ્રચંડ સમર્થનનો આભાર માન્યો અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગેઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન કહ્યું, જ્યાં મારી નજર જાય છે ત્યાં લોકો જ લોકો દેખાય છે. તેમણે ઉમેર્યું કે, ભારે વરસાદ પડે તો પણ લોકો ખુરશી ઊંચી કરીને ઊભા છે, જે દર્શાવે છે કે આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં મક્કમ છે. અરવિંદ કેજરીવાલે જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. તેમણે જોરદાર અવાજે કહ્યું કે, “જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે.” કેજરીવાલે જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા તમારા માટે લડી રહ્યા હતા. તેઓ તમારા જમીન, જંગલ, અધિકારો માટે લડી રહ્યા હતા.
ચૈતર વસાવાને જેલમાં ધકેલવાનું આ છે અસલી કારણ
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપના નેતાઓ સામાન્ય જીવનથી સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર આચરીને સંપત્તિ બનાવે છે અને આદિવાસીઓના હક છીનવે છે. કેજરીવાલે ચૈતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યું, આ ભાજપવાળા એટલા ગંદા છે કે ₹2,500 કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવ્યું, તો એમણે ચૈતરભાઇને જેલમાં ધકેલી દીધા. ભાજપ તેને ડરાવવા માંગે છે, પરંતુ તેમને ખબર કે આ બબ્બર શેર છે.
ભાજપ સરકાર અહંકારી છેઃ ભગવંત માન
ભગવંત માને જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને સંદેશ આપતા કહ્યું કે, ચૈતર વસાવા એવું ના વિચારતા કે તમે એકલા છો. અમે બધા તમારી સાથે છીએ. તેમણે આશ્વાસન આપ્યું કે, સમગ્ર આમ આદમી પાર્ટી અને જનતા તેમની સાથે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ પબ્લિક છે, બધું જાણે છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ ભાજપ સરકારને જવાબ આપશે. ભગવંત માને આદિવાસી સમાજના અધિકારોના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો જળ, જમીન, જંગલ પણ વેચી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે, સરકાર આદિવાસીઓના કુદરતી સંસાધનો પર કોર્પોરેટ ગૃહોના કબજા માટે પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દૂધ અને પશુપાલકોના પૈસા પણ ખાઈ ગયા છે, જે સરકારના અહંકારને દર્શાવે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં કેજરીવાલ-ભગવંત માન ફરી મેદાને: જેલમાં બંધ ચૈતર વસાવા માટે કરશે રેલી!