એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે

કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આ વર્ષે ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય સમારોહ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરશે.
દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર મુવિંગ ‘યુનિટી પરેડ’
આ વર્ષની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ ‘યુનિટી પરેડ’ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સતત એકતાનગર ખાતે કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર યોજાનારી સશસ્ત્ર દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવશે. શૌર્ય, શિસ્ત અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની સંયુક્ત શક્તિની આછેરી ઝલક પ્રસ્તુત કરશે.
‘એકત્વ’ની થીમ આધારિત ટેબ્લો પરેડ
રાષ્ટ્રીય એકતા દિવસના આ ભવ્ય સમારોહમાં વધુ એક મહત્વપૂર્ણ નવી પહેલ કરવામાં આવી છે. દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ‘એકત્વ’ની થીમ પર એનએસજી, એનડીઆરએપ, આંદામાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.
ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવશે, જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો.
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવશે.
સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ ભવ્ય સમારોહ રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સંયુક્ત શક્તિનો એક અનેરો ઉત્સવ બનશે.
આ પણ વાંચો…વડા પ્રધાન મોદી એકતાનગરને આપશે મોટી ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશે…



