
રાજપીપળા: હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન નદી, નાળા અને ધોધ સહિતના સ્થળો પર લોકોનો ધસારો જોવા મળતો હોય છે. આ દરમિયાન લોકો મજા માણવા માટે જીવને જોખમમાં મૂકતા હોય છે. જો કે વહીવટી તંત્ર લોકોની સલામતી માટે જિલ્લામાં આવેલા કેટલાંક ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિઓ કે પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર આગામી બે મહિના સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કયા સ્થળ પર રહેશે પ્રતિબંધ?
નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ, કાળીયાભૂત ધોધ (જીતનગર બાર ફળિયા ગામ), ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ (રંગ અવધુત પાસે), પોઈચા બ્રીજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો કિનારો, સિસોદ્રા નર્મદા નદીનો કિનારો, પાટણા નર્મદા નદીનો કિનારો, વરાછા નર્મદા નદીનો કિનારો, જુના ઘાંટા ધોધ (ચોમાસા દરમિયાન), વિસાલખાડી, બાર ફળિયા વણઝર ખાતે કરજણ નદીમાં, જુનારાજનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ પર પ્રવેશ પ્રતિબંધ
ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરૂડેશ્વર વિયર ડેમના પાછળના ભાગે, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારા, વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ક્રુઝ જેટી પોઈન્ટ – ૦૧ (રમાડા હોટેલ પાછળ), સૂર્ય કુંડ (વાગડીયા), વાગડીયા ગામ જૂના બ્રીજ પાસે, ગોરા નવા બ્રીજ પાસે, ગોરા ત્યાગી ઘાટ (નર્મદા ઘાટ, નર્મદા આરતી સ્થળ પાસે), સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ નં.-૦૧ (સરદાર સરોવર ડેમ), વ્યૂ પોઈન્ટ નં.-૦૨ (સરદાર સરોવર ડેમ), સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર ડેમ પાછળ આવેલ બોટ પોઇન્ટથી મોખડી પોટાહાટ સુધી, ડાઇક નં.-૦૧, ડાઇક નં.-૦૨, ડાઇક નં.-૦૩ ટેન્ટ સીટી-૨ પાસે, ઝીરો પોઇન્ટ ભૂમલિયા (કેનાલ), વોટર એરોડ્રોમ, ઝરવાણી ધોધ, ખલવાણી ખાતે પ્રવેશ કરવો નહીં.
તિલકવાડા તાલુકાનાં તિલકવાડા નર્મદા નદી ઓવારો, રેંગણ નર્મદા નદી ઓવારો, વાસણ–નર્મદા નદી કાંઠા વિસ્તાર, દેડીયાપાડા તાલુકાનાં નીનાઈ ધોધ, કોકમ હનુમાનજી મંદિર અને સાગબારા તાલુકાનાં ચોપડવાવ ડેમ, નાના કાકડી આંબા ડેમમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ જાહેરનામાંની અમલવારી આગામી ૦૬ સપ્ટેમ્બર એટલે કે બે મહિના સુધી રહેશે.