ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે થયું ઘર્ષણ…

નર્મદાઃ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંકવામાં આવ્યા હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું હતું. આ ઘટના પાછળનું કારણ ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જ્યારે સંજય વસાવા આ મામલે વચમાં પડ્યા, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને લાફા મારી દીધા હતા તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મહિલા પ્રમુખને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું, હું ધારાસભ્ય છું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી.

ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.
પોલીસ સાથે ઘર્ષણ અને ફરજમાં રુકાવટ
ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા.
ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે પ્રવેશ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
વન અધિકારી પર હુમલો અને ખંડણી: ચૈતર વસાવા પર વન અધિકારીને ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને ખંડણી વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા.
હોટેલ મેનેજર પર હુમલો
સપ્ટેમ્બર 2024 માં ચૈતર વસાવા અને તેમના 20 જેટલા સમર્થકો સામે ડેડીયાપાડામાં હોટેલ મેનેજર પર હુમલો કરવા, તોફાન કરવા અને ફોજદારી ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેમને રેસ્ટોરન્ટના બિલ પતાવવા માટે કહેવામાં આવ્યું હતું.
ભ્રષ્ટાચારના આરોપો અને પલટવાર
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં ચૈતર વસાવાએ પલટવાર કર્યો હતો.
પોલીસ પર હપ્તાખોરીના આરોપ
ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ભરૂચ જિલ્લા પોલીસ પર દારૂના ઠેકાઓ પરથી હપ્તા ઉઘરાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.