મતદાન માટે આટલી તકલીફો વેઠતા કર્મચારીઓને સલામ, પણ સુવિધાઓનો આટલો અભાવ મોટો સવાલ

રાજપીપળા: 22 જૂનના રોજ નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દરમિયાન ચૂંટણી પંચની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સરકારના વિકાસના દાવાને પોકળ સાબિત કરે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દેડિયાપાડા તાલુકાના ચોપડી-રીંગાપાદર ગામે ચૂંટણી સ્ટાફ અને પોલીસકર્મીઓને 4 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાની ફરજ નિભાવવી પડી હતી. મતપેટીઓ ખભે મૂકીને ચાલી રહેલા સ્ટાફના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
નર્મદાની 112 ગ્રામ પંચાયતો માટે મતદાન
મળતી વિગતો અનુસાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયત ચૂંટણી કાર્યક્રમ હેઠળ, નર્મદા જિલ્લાની કુલ 112 ગ્રામ પંચાયતો માટે રવિવાર, 22 જૂન 2025ના રોજ સવારે 7:00 થી સાંજે 6:00 કલાક સુધી મતદાન યોજાયું હતું. દેડિયાપાડા તાલુકાની ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી-02 પ્રાથમિક શાળા, રીંગાપાદર ખાતે ચૂંટણી સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ અધિકારી વસાવા અભેસિંગભાઇ પુનીયાભાઇ, મદદનીશ પ્રમુખ અધિકારી હિતેશભાઇ છોટુભાઇ રાઠોડ, મતદાન અધિકારી વિજયભાઇ ચીમનભાઇ પરમાર, મહિલા મતદાન અધિકારી અંજનાબેન મોહનભાઇ વસાવા અને પટ્ટાવાળા મુળજીભાઇ દમણીયાભાઇનો સમાવેશ થાય છે.
4 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો સ્ટાફ
આ સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને પોતાની ફરજ બજાવી હતી. ચોપડી-રીંગાપાદર ગામે ચૂંટણી સ્ટાફ અને પોલીસકર્મીઓને 4 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાની ફરજ નિભાવવી પડી હતી. મતપેટીઓ ખભે મૂકીને ચાલી રહેલા સ્ટાફના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ચૈતર વસાવાએ સરકારને ઘેરી
આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચે નર્મદામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરી રહી છે, ત્યારે બીજી તરફ આજે પણ સ્થાનિક લોકોને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. ચૂંટણી સ્ટાફના 4 કિલોમીટર પગપાળા ચાલીને આવતા વીડિયો સામે આવ્યા બાદ નર્મદા જિલ્લાના કલેક્ટરેએ પણ ટ્વિટ કરીને આ સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષો પછી પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં રસ્તા જ નથી બન્યા. આ અંગેની વારંવાર રજૂઆત છતાં ઉકેલ આવ્યો નથી, ગુજરાત મોડેલના નામે આખા દેશમાં બણગા ફૂંકનારા ભાજપ સરકાર ને શરમ જેવું કાંઈજ નથી.
આ પણ વાંચો…આપ માટે જીવતદાન, ભાજપને ફટકો, પણ કૉંગ્રેસનો પંજો તો ફરી ખાલીખમ