ગુજરાતમાં નર્મદા કેનાલના 5 પુલ સંપૂર્ણ બંધ, 4 પર ભારે વાહનો પ્રતિબંધિત…

અમદાવાદ: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્યમાં આવેલા પુલોની વર્તમાન સ્થિતીની ચકાસણી માટેની કાર્યવાહી આદરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નર્મદા કેનાલ પર આવેલા કુલ 2110 પુલનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 5 જેટલા પુલ જોખમી જણાઈ આવતા તેમને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાંચ પુલ સંપૂર્ણપણે બંધ
મળતી વિગતો અનુસાર આ નિરીક્ષણ દરમિયાન, જે પુલો જોખમી જણાયા હતા તે પૈકી 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય આવ્યો છે, જ્યારે અન્ય 4 પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, 36 પુલોને તાત્કાલિક અસરથી મરમ્મત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સંપૂર્ણપણે બંધ કરાયેલા પુલ
સંપૂર્ણપણે બંધ કરાયેલા પાંચ પુલમાં મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજિતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ, મોરબી જિલ્લામાં નેશનલ હાઈ-વે 151એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેના પુલને સંપૂર્ણપણે બંધ કરી દેવામા આવ્યા છે.
પ્રતિબંધિત કરાયેલા ચાર પુલ
જ્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા 04 પુલોમાં અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ, અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ, અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ અને પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલનો સમાવેશ થાય છે.