ડાંગ

ડાંગના ભેગુ ધોધમાં અચાનક પૂર: પ્રવાસીઓએ માનવસાંકળ રચી જીવ બચાવ્યાં, તંત્રની ચેતવણી અવગણવી ભારે પડી!

આહવા: હાલ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને પગલે ડાંગ જિલ્લામાં કુદરત સોળે કળાએ ખીલી ઊઠી છે તેમ જ આ દિવસોમાં સેંકડો ધોધ ફરી સક્રિય થઈ ગયા છે. આ ધોધ પૈકી એક કોષમાળ ગામ નજીક આવેલો ‘ભેગુ ધોધ’ના કુદરતી દ્રશ્યથી આકર્ષાઈને અનેક પ્રવાસીઓ ઉમટે છે પણ આ સુંદરતા અમુક વાર ખતરનાક પણ સાબિત થઈ શકે છે. રવિવારે આ ધોધમાં એક મોટો અકસ્માત સર્જાતાં ટળ્યો હતો, જ્યારે અચાનક આવેલા પૂરના કારણે નહાવા ગયેલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. જોકે, સૂઝબૂઝ અને સામૂહિક પ્રયાસોથી સૌએ પોતાનો જીવ બાવી લીધો હતો.

નહાવા ગયેલા પ્રવાસીઓ ફસાઈ ગયા

મળતી વિગતો અનુસાર સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રવાસીઓ પાણીના વધતા પ્રવાહ વચ્ચે એકબીજાનો હાથ પકડીને માનવ સાંકળ બનાવે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંયમ જાળવીને સુરક્ષિત રીતે બહાર નીકળી આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પ્રવાસીઓની હિંમત અને સમજદારીની પ્રશંસા કરી રહ્યા છે.

વહીવટી તંત્રની ચેતવણીઓની અવગણના

ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની ચેતવણીઓની અવગણના પર સવાલો ઉભા કર્યા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ધોધની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, તેમ છતાં પ્રવાસીઓ ધોધની નીચે પહોંચી રહ્યા છે. ભેગુ ધોધ જંગલની અંદર આવેલો છે અને ત્યાં પહોંચવા માટે લગભગ ત્રણ કિલોમીટરની મુશ્કેલ ટ્રેકિંગ કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ મોટો અકસ્માત થાય, તો બચાવ કામગીરી ચલાવવી અત્યંત પડકારજનક બની શકે છે.

સુરક્ષાના નિયમોનું પાલન કરવાની તાકીદ

કુદરતી સૌંદર્યથી લથબથ એવો ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો ચોમાસામાં સંવેદનશીલ વિસ્તારો બની જાય છે. ચોમાસા દરમિયાન ધોધ અને નદીઓમાં અચાનક પૂર આવી જવાની સમસ્યાને કારણે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે પ્રવાસીઓ મુલાકાત દરમિયાન સુરક્ષા નિર્દેશોનું પાલન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button