સાતમ-આઠમની રજાઓમાં ડાંગમાં પર્યટકોનો ધસારોઃ તંત્રએ ચેતવણી આપી | મુંબઈ સમાચાર
ડાંગ

સાતમ-આઠમની રજાઓમાં ડાંગમાં પર્યટકોનો ધસારોઃ તંત્રએ ચેતવણી આપી

વરસાદની ઋતુમાં તો ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

આહવા: જન્માષ્ટમીના તહેવાર પર ત્રણ દિવસની રજાને કારણે રાજ્યના સૌથી મોટા હિલ સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સમય દરમિયાન રેલવે, બસમાં તો પખવાડિયા પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું હતું. સાતમ આઠમની રજાઓમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જેવા પ્રાકૃતિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.વળી વરસાદની ઋતુમાં તો ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.

હાલ ડાંગમાં પ્રવાસીઓને આકર્ષનારા સાપુતારામાં ઉજવાતા મોન્સૂન ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ હોવાથી વધારે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. વળી બીજી તરફ વરસાદને કારણે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: પર્યટકો સાવધાન! ઉકાઈ ડેમ સહિત તાપીના આ જળાશયો બન્યા નો-એન્ટ્રી ઝોન

સતત વરસી રહેલા વરસાદના કારણે ડુંગરો પરથી ધોધ અને ઝરણાંના દ્રશ્યો તો કોઈપણને આકર્ષી લે તેવા મનોહર લાગી રહ્યા છે. વળી છેલ્લા ત્રણેક દિવસોથી મેઘરાજાની વરસી રહેલી મહેરના કારણે સાપુતારા, ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન પર પ્રવાસીઓ ઉમટ્યા હતા.

સાતમ આઠમની રજાઓ અને વરસાદી માહોલની મજાને માણવા માટે ડાંગ તરફ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વળી વરસાદને કારણે ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયું હતું. લોકો મોજ માણવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે અને આથી જ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા ગીરા ધોધ સહિત અનેક સંભવિત જોખમી સ્થળો પર નહાવા તેમ જ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button