ડાંગના આહવામાં ભૂસ્ખલન, અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી

ડાંગઃ રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ડાંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સવારે 6 થી બપોરના 12 સુધીમાં ડાંગમાં 4.33 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.અંબિકા નદીનો જળ પ્રવાહ વધતા ભયનજક સપાટી વટાવી હતી. અંબિકા નદીમાં ઘોડાપૂર આવતાં ડોલવણના પદમડુંગરી ગામે ઈકો ટુરીઝમ પાસે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. અંબિકા નદીનું જળસ્તર વધતાં લોકોને સતર્ક કરાયા હતા. ગણદેવી તાલુકાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડાંગના આહવામાં મૂલચૌડ પાસે ભૂસ્ખલન થયું હતું. રસ્તાનું ધોવાણ થતાં ટ્રાફિક જામ થયો હતો. તંત્ર દ્વારા રસ્તો ખૂલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
#WATCH डांग (गुजरात): भारी बारिश से नदियों का जलस्तर बढ़ गया है
— ANI_HindiNews (@AHindinews) September 23, 2025
वीडियो खपरी नदी से है। pic.twitter.com/k19mosEJoJ
ડાંગમાં ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. માછલી ખાતળ ગામ પાસે આવેલી પૂર્ણા નદીમાં પૂર આવતા એક ડીજે ટેમ્પો ફસાયો હતો. ટેમ્પોમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને આવા રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળવા અપીલ કરી હતી.
રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ડાંગ આહવામાં 4.33 ઇંચ, સુબીરમાં 1.38 ઇંચ, કપરાડામાં 0.91 ઇંચ, વઘઈમાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.31 ઇંચ, ડેડીયાપાડામાં 0.28 ઇંચ, પારડીમાં 0.28 ઇંચ, વલસાડમાં 0.20 ઇંચ, ગણદેવીમાં 0.12 ઇંચ, ખેરગામ, સોનગઢ અને જેતપુર પાવીમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 111.03 ટકા થયો છે. કચ્છમાં સૌથી વધુ 135.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્યમાં 113.25 ટકા, સૌરાષ્ટ્રમાં 95.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 116.56 ટકા વરસાદ પડ્યો છે. નર્મદા ડેમ 96.21 ટકા ભરાયેલો છે, જ્યારે 206 જળાશયોમાં 94.64 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 144 ડેમ હાઇ એલર્ટ છે, જ્યારે 114 ડેમ સો ટકા ભરાયેલા છે.
આપણ વાંચો: ગુજરાતના ૧૦ બીચ પર સફાઈ અભિયાન: ૫૧ હજાર કિલોથી વધુ કચરાનો નિકાલ