સાપુતારામાં ટેબલ પોઈન્ટ જઈ રહેલી કાર અચાનક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, સદનસીબે પરિવારનો બચાવ | મુંબઈ સમાચાર
ડાંગ

સાપુતારામાં ટેબલ પોઈન્ટ જઈ રહેલી કાર અચાનક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, સદનસીબે પરિવારનો બચાવ

આહવા: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ગતમોડી રાત્રે એક દુર્ઘટના સર્જાય હતી, જેમાં સુરતથી ડાંગ ફરવા માટે આવેલા પ્રવાસીઓની કર ટેબલ પોઈન્ટ ચડતા સમયે રસ્તાની સાઇડ રેલિંગ તોડીને 100 ફૂટ જેટલી ઊંડી ખીણમાં ખાબકી હતી. જો કે આ દુર્ઘટનામાં પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસ સ્ટાફે ક્રેનની મદદથી કારનુ રેસ્ક્યુ કર્યું હતું.

મળતી વિગતો અનુસાર સુરત જિલ્લાના રહેવાસી રાજેશભાઈ તેમના પરિવાર સાથે ડાંગ જિલ્લામાં ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગિરિમથક સાપુતારાના પ્રખ્યાત ટેબલ પોઇન્ટ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની અર્ટિગા કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર આગળ વધવાને બદલે રિવર્સ જવા લાગી હતી અને રસ્તાની સાઈડની રેલિંગ તોડીને આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

કાર ખીણમાં ખાબકવાની ઘટનાની જાણ થતાની સાથે જ સાપુતારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ક્રેનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બચાવવાની કામગીરી આદરી હતી. રેસ્ક્યુની કામગીરી રાત્રીના સમયે કરવાની હોવાથી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ચોમાસું અને જાહેર રજાને કારણે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વરસાદની ઋતુમાં તો ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સતત વરસી રહેલા વરસાદના કારણે ડુંગરો પરથી ધોધ અને ઝરણાંના દ્રશ્યો તો કોઈપણને આકર્ષી લે તેવા મનોહર લાગી રહ્યા છે. વળી છેલ્લા ત્રણેક દિવસોથી મેઘરાજાની વરસી રહેલી મહેરના કારણે સાપુતારા, ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન પર પ્રવાસીઓ ઉમટ્યા હતા.

આપણ વાંચો:  મેંદરડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button