
ભરૂચઃ ગુજરાતના ભરૂચથી આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. યુવકની લાશ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. ભરૂચ નજીક આવેલા કવિઠા ગામમાં નબીપુરના પીઆઇ તેમજ બે કોન્સ્ટેબલો દારૂ વેચવા માટે દબાણ કરે છે તેવા અનેક આક્ષેપો સાથેની સ્યુસાઇડ નોટ લખીને ધૂળેટીના દિવસે જ યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.
Also read : શેર માર્કેટમાં પાયમાલ થયેલો ઘરનો જ સભ્ય નીકળ્યો શિક્ષક દંપતીનો હત્યારો
શું છે મામલો
ભરૂચ તાલુકાના કવિઠા ગામે બેંક ઓફ બરોડાની સામે રહેતા કિર્તન વસાવા (ઉ.વ.45) તેમજ ઘરના સભ્યો ધૂળેટીના દિવસે ઘેર હતાં. દરમિયાન બપોરના સમયે કિર્તન વસાવા ગામમાં ફરવા માટે નીકળ્યા હતાં. બાદમાં સાંજે કિર્તને તેના ભાઇ ચન્દ્રકાંત વસાવાના મોબાઇલ પર વોટ્સએપ ઓડિયો ક્લિપ મોકલી હતી જેમાં કિર્તને ઉલ્લેખ કર્યો હતો કે નવિન બાબર પટેલના ખેતરમાં મેં ઝેરી દવા પી લીધી છે.
આ મેસેજના પગલે ચન્દ્રકાંત તેમજ ઘરના અન્ય સભ્યો ખેતરમાં પહોંચ્યા હતા. તે સમયે કિર્તનને મોંઢામાંથી ફીણ નીકળતું હતું અને તેઓ કશું બોલતા નહોતા. જેથી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબે કિર્તનનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં કિર્તનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં કિર્તનના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી.
આ સ્યુસાઇડ નોટમાં નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મુકેશ કે. પરમાર તેમજ બે કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. દારૂના ધંધા માટે હેરાન કરાતો હોવાનો ઉલ્લેખ હતો અને ઘરમાં પોલીસના માણસો ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતક કિર્તનની પુત્રીની ફરિયાદ નોધી પીઆઇ એમ.કે. પરમાર, કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
ડીએસપીએ શું કહ્યું
ડીએસપી સી કે પટેલે જણાવ્યું કે, કિર્તન વસાવા (ઉ.વ.45)એ ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે એક પીઆઈ તથા બે કોન્સ્ટેબલના નામ આપ્યા છે. તેણે આપઘાત કરતા પહેલા આ નોટ દ્વારા તેને અને તેના પરિવારને પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે.
Also read : અસલી-નકલીની લડાઈઃ ભરુચમાં અસલી કિન્નરોએ ‘નકલી’ને ભણાવ્યો પાઠ, વીડિયો વાઈરલ…
આ ઉપરાંત ડીએસપીએ જણાવ્યું, કિર્તન પહેલા વિદેશી દારૂના કેસમાં પકડાયો હતો. તે સમયે પોલીસે તેની પાસેથી એક ગાડી પણ જપ્ત કરી હતી. નોટમાં તેણે લખ્યું છે કે, પોલીસે તેની ગાડી છોડી નથી રહી અને તેના પરિવારને પરેશાન કરી રહી છે. તપાસ દરમિયાન જે પણ વાત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.