ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા મનસુખ વસાવાએ શું ફોડ્યો લેટર બોમ્બ? | મુંબઈ સમાચાર
ભરુચ

ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા મનસુખ વસાવાએ શું ફોડ્યો લેટર બોમ્બ?

ભરૂચઃ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું કે, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્ત્વ આપી મહત્ત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને આ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી. બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ, આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે.

જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો

આ ઉપરાંત તેમણે પત્રમાં એવું પણ લખ્યું કે, નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરી કૌભાંડમાં સામેલ છે તેમને કોઈપણ રીતે બચાવવામાં આવી રહ્યા છે. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર તથા સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડીયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું, જે પાર્ટીની પરંપરા વિરૂદ્ધ છે. ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી હતી. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે, મારૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તો, મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરશો. મહત્ત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે.

થોડા દિવસ પહેલા પણ પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા

થોડા દિવસ પહેલા, મનસુખ વસાવાએ પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રાદેશિક નેતાઓને ચૈતર વસાવા સામે કેમ બોલતા નથી કહ્યું હતું. તેમણે કહ્યું કે, આપના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની તથા આપણી સરકાર વિરુદ્દ ઉશ્કેરે છે. પ્રજાની વચ્ચે જઈને આપણે સાચી વાત મુકવી પડશે.

આપણ વાંચો:  વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકનારા 3 આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button