‘કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી’:વેપારીને ભાજપના નેતાએ મારતા ક્યા સાંસદ લાલઘૂમ?

ભરુચ: ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉમલ્લાના એક વેપારી પર કથિત રીત ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને હોબાળો મચી ગયો હતો. આ મારામારી મુદ્દે ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે આ આ મુદ્દે કહ્યું હતું કે જો આવા લોકો મોટા થશે તો મનસુખ વસાવાને પણ છોડે એવા નથી. પોતાને આવા લોકોથી જાનનું જોખમ હોવાની ગંભીર વાત ખુદ સાંસદે કરતા આ મામલો સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકોનાં હિત માટે હું આવા તત્વો સામે જાનના જોખમે લડું છું અને જનતા માટે લડતો રહીશ કહી શકીએ કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી જ રહેવાની છે.

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
આ મુદ્દાને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે ઉમલ્લાના વેપારી મુકેશભાઈ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાને જઈને રાયસીંગ પુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા કે જેઓ પ્રકાશભાઈ દેસાઇનો ડ્રાયવર છે.
તેણે તેના માથાભારે માણસોને સાથે રાખી ફ્રિજની બાબતને લઈને લાકડીઓના સપાટાથી સખત માર માર્યો હતો. આ બાબતની જાણ ઉમલ્લા પી.આઈ.ને કરવામાં આવી હતી, તેમ છતાં ફરિયાદીને બીજા દિવસે ૫ થી ૬ કલાક સુધી ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ સામાન્ય ફરિયાદ નોંધી હતી.
પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી
મનસુખ વસાવાએ આરોપ કર્યો હતો કે પ્રકાશભાઈ દેસાઇના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી. તેમણે આગળલખ્યું કે પ્રકાશભાઈ દેસાઈની ટિમ “જનતા કા રાજ” નામનું સંગઠન ચલાવે છે અને આ લોકો ગમે તે કાર્યક્રમ કે પ્રસંગોમાં ૧૦૦ થી ૨૦૦ બાઈકો લઈને પહોંચીની સામાન્ય પ્રજાને તેઓ રંજાડે છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે “જનતા કા રાજ” નામના સંગઠનને રાજકીય પીઠબળ મળી રહેતું હોવાથી છે, જેથી પોલીસ પણ આ લોકો આગળ વામણી પડે છે.
બીટીપીમાં રહીને પ્રજાને રંજાડતા હતા
મનસુખ વસાવાએ પ્રકાશ દેસાઇ પર આરોપ કરતા કહ્યું હતું કે બીટીપીમાં રહીને પ્રજાને રંજાડતા હતા, તેઓ હવે ભાજપમાં આવ્યા બાદ પણ આમ જનતાને રંજાડે છે, જેમ કે ઉમલ્લાના મુકેશભાઈ શાહના ઘરે જઈને લાકડીના સપાટા વતી સખત માર માર્યો હતો. આ બાબતની જાણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને વેપારીઓએ કરી હતી.
પરંતુ તેઓ પણ વેપારીઓને મદદરૂપ થયા નથી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારમાં વ્યાપારીઓને રક્ષણ આપી અને શનાભાઈ વસાવા જેવા માથાભારે માણસોની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત કરી હતી.