ભાજપના વધુ એક નેતાએ સરકારને લખ્યો 'લેટર': વિકાસ કાર્યોની ગોકળગતિ મુદ્દે સવાલ ઉઠાવ્યા...

ભાજપના વધુ એક નેતાએ સરકારને લખ્યો ‘લેટર’: વિકાસ કાર્યોની ગોકળગતિ મુદ્દે સવાલ ઉઠાવ્યા…

ભરૂચ: ગટર જેવા મુદ્દે હાર્દિક પટેલે સરકાર સામે લખેલા પત્ર બાદ ગીરમાં સિંહોના થઈ રહેલા મોતના મામલે બે ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યા હતા.

ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને પુલો પર વાહન વ્યવહારને બંધ કરવાથી લોકોને પડી રહેલી હાલાકી તેમજ વિકાસકાર્યોની ગોકળગતિના મુદ્દે સરકારની સામે પ્રશ્ન કર્યા હતા. તેમજ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ લાવવા અપીલ કરી હતી.

ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેના ઘણા બ્રિજ ભારે વરસાદ અને ભારે ટ્રાફિકને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા, જેના કારણે ભરુચ, આમોદ, જંબુસર તથા અંકલેશ્વર-વાલિયા-નેત્રંગ-ડેડીયાપાડાના આ માર્ગો પર મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.

જેના કારણે આ વિસ્તારના ખેડૂતો, નાના મોટા વેપારીઓ તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો તેમજ સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ બંધ થવાથી એસટી બસની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. સાંસદે આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલીક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળ કબીરવડ ક્ષેત્રમાં વિકાસ માટે પૂર્વની સરકારોએ કરોડો રૂપિયાનું આયોજન કર્યું હતું અને બજેટમાં તેની ફાળવણી પણ કરવામાં આવી હતી. પરંતુ 15થી 20 વર્ષ બાદ પણ વિકાસના કામ આગળ નથી વધી રહ્યા. તેમણે આ બંને પ્રશ્ન મુદ્દે રાજય સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો…પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવા માટે મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button