
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરમાવો આવ્યો છે. મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા તો કોંગ્રેસના શેરખાન ચૈતર વસાવા સાથે જોડાઈ ગયા છે. શેરખાન પઠાણ ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ 2019માં ભરૂચ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.
કોણ છે શેરખાન પઠાણ
શેરખાન પઠાણ નેત્રંગ ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે અને લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. તેમણે 2005માં કોંગ્રસના કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2009 અને 2016માં ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
2019માં લોકસભા ચૂંટણી વખતે તેમણે ઉમેદવારી નોંધાવાતી વખતે દાખલ કરેલા સોગંદનામા મુજબ, તેમના પર બૂથ કેપ્ચરિંગ, આગ લગાડવા અને હત્યાના પ્રયાસના આરોપો લગાવવામા આવ્યા હતા. જે અંગે તેમણે કહ્યું હતું. આ ખોટા કેસ રાજકીય કારણોસર નોંધવામાં આવ્યા છે અને આ બધા કેસ પર હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર આપ સાથે ગઠબંધન કરીને ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો.
આ પણ વાંચો…ગુજરાતના રાજકારણમાં ભૂકંપ: ભાજપને ઝટકો, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિવિધ શહેરોમાં પરિવર્તન સભા યોજી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ સહિત ભાજપ અને કોંગ્રેસના 60 પદાધિકારીઓ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.



