ભરુચ

ઘરકંકાસનો કરુણ અંજામ: મેટ્રીમોનિયલ સાઇટ પરથી મળેલા પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી!

ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકામાં બે દિવસ પહેલા બનેલા હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વાલિયાથી દોડવાડા ગામ તરફના માર્ગ પર આવેલા નાળા પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મૃતકની ઓળખ લખનૌની રૂચિ અવસ્થી અને હત્યારાની ઓળખ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શિવકૃપા બંગલોઝમાં રહેતાં મહિલાના પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવ તરીકે થઈ હતી.

નાળામાંથી મળી આવી હતી લાશ

મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 10 જુલાઈએ કોંઢ અને દોડવાડા ગામના રસ્તા પર આવેલા નાળામાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. અ બનાવ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવી હતી અને બનાવના સ્થળ પરથી લોહી લાગેલાં કપડાં તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વ્હોટ્સએપ ગ્રુપમાં ફેલાવ્યા હતાં અને ત્યારે મૃતક મહિલા અંકલેશ્વર GIDC વિસ્તારની રહેવાસી હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો: પથારીવશ પત્નીની હત્યા: 71 વર્ષના વૃદ્ધને આજીવન કારાવાસની સજા…

મેટરીમોનિયલ સાઈટ પરથી આવ્યા હતાં સંપર્કમાં

આ હત્યા અંગે પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી રાજેન્દ્રની પહેલી પત્નીનું મૃત્યુ થયા બાદ બીજા લગ્ન કરવા માટે તે મેટરીમોનિયલ સાઈટ પરથી તે લખનૌની રૂચિ અવસ્થીના સંપર્કમાં આવ્યો હતો અને 2019માં તેમણે લગ્ન કરી અંકલેશ્વરમાં ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. તેના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયો છે અને સંતાનમાં એક પુત્ર પણ છે.

ઘરકંકાસને કારણે કરી હત્યા

પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે ઘરમાં રોજની કોઈ ને કોઈ બાબતથી થતા ઘરકંકાસને કારણે તેઓ કંટાળી ગયા હતાં અને આથી તેણે 9મી જુલાઈના રાત્રિના માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button