અંકલેશ્વર નજીક બાઈક – રિક્ષાની ટક્કર બાદ આગ: મહિલા ભડથું, 4 ઘાયલ

અંકલેશ્વરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી સળગી ગઇ અને મૃત્યુ પામી હતી. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.
કોસમડી ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાને વાહનમાંથી બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો નહોતો અને તે ઘટનાસ્થળે જ જીવતી ભુંજાઈ ગઈ હતી. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
રસ્તા પર ટ્રાફિક જામ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, રિક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઇ ગઈ હતી. આ ટક્કરમાં એક બાઇક અને રિક્ષા બળી ગઈ હતી. અમે બે માસીને બચાવ્યા અને એક માસી અંદર જ બળીને મરી ગયા. ત્રણ જણા બચી ગયા તેને હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
સીસીટીવી પણ આવ્યા સામે
બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળે છે. સૌથી પહેલાં બે ટુ વ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રિક્ષા ચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રિક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુ વ્હીલર પણ ફંગોળાઈ જાય છે. રિક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે.
આ પણ વાંચો: અમદાવાદની આ જાણીતી કોલેજને કરવામાં આવી સીલ, જાણો વિગત



