ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી પૂર્વે સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપઃ રાજકારણમાં ગરમાવો

ભરૂચઃ દૂધધારા ડેરીની આવતીકાલે ચૂંટણી યોજાશે. આ પહેલા મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. સાંસદ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં સહકારી સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ ગઈ છે, ત્યારે સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી ખરીદફરોત થઈ રહી છે, જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. તેમણે કહ્યું કે, સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે.
આ પણ વાંચો : ‘દૂધિયું રાજકારણ’: GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની?
નોંધનીય છે કે, દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વાગરાના ધારાસભ્યએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
વાગરાના ધારાસભ્યની સહકાર વિકાસ પેનલના 9 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા હતા. આ સંજોગોમાં આજે યોજાનારું મતદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.