દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા

ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો ઘાટ સર્જાયો છે. દુધધારા ડેરીની ચૂંટણી મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. જેથી ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત હાંસોટના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તમામને સક્રિય તથા પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લાના 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
દૂધધારા ચૂંટણીમાં ધારાસભ્યની પેનલ સામે ભાજપ દ્વારા સસ્પેન્સનનો મામલે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રમાં ભાજપ દ્વારા પાટીલ સાહેબના નેતૃત્વમાં મેન્ડેટ આપવા માર્ગ મોકળો કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ સંસ્થાઓ ભાજપના કાર્યકરો દ્વારા વહીવટ થાય છે. ભાજપનો મેન્ડેટનો ભંગ કરીને ઉભા રહેનાર સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે. પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.