દહેજ કનેક્ટિવિટીને વેગ: આમોદ-રોઝા-ટંકારીયા-મુલેર માર્ગ ફોરલેન બનતા એક્સપ્રેસવેનો ટ્રાફિક ભારણ ઘટશે!

દહેજ કનેક્ટિવિટીને વેગ: આમોદ-રોઝા-ટંકારીયા-મુલેર માર્ગ ફોરલેન બનતા એક્સપ્રેસવેનો ટ્રાફિક ભારણ ઘટશે!

ભરૂચ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી. માર્ગને રૂ. ૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.

આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.

મુખ્ય પ્રધાને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ-ખાતમૂહર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે ૬૩૭ કરોડ રૂપિયાના ૩૪ વિવિધ વિકાસકામો જિલ્લાના નાગરિકોને આપ્યા હતા. આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ૫૭૬ કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા રમતગમત સંકુલ, શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી હતી.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક, દહેજ પી.સી.પી.આઈ.આર., એલ.એન.જી ટર્મિનલ તથા વાલિયાના ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી-ફૂડ પાર્કથી ભરૂચના આર્થિક, ઔદ્યોગિક વિકાસમાં બળ મળ્યુ છે. તેમણે નીતિ આયોગના માર્ગદર્શનમાં વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવાના છે તેની પણ ભૂમિકા આપી હતી.

આ પણ વાંચો…જ્યાં ભરતીના જળથી થાય છે શિવલિંગનો સ્વયં અભિષેક: CM ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button