ચૈતર વસાવાએ ભરૂચના કલેક્ટર પાસે 75 લાખ માગી તોડ કર્યો ? કલેક્ટરે શું કહ્યું ?

ભરૂચઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચાર અને તોડપાણીનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ દાવો કર્યો ચૈતર વસાવાએ કલેક્ટર પાસે 75 લાખ માગી તોડ કર્યો હતો. રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વડા પ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા ગંભીર ખુલાસા કર્યા હતા. જે બાદ નર્મદાના કલેક્ટર પાસે પહોંચીને ચૈતર વસાવાએ સવાલ પૂછ્યા હતા. તેમણે પૂછ્યું કે, સાંસદ મનસુખ વસાવા તમારું નામ લઈને કહેતા હતા કે મેં તમારી પાસેથી 75 લાખ માગ્યા હતા. મેં ક્યારે તમારી પાસે આ પૈસા માંગ્યા હતા. જેના જવાબમાં કલેકટરે કહ્યું- આ તદ્દન ખોટી વાત છે.
મનસુખ વસાવાએ કયા વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ તોડપાણી માટે રુપિયા માગ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો, અને કલેકટરે તેમને ફરિયાદ કરી હોવાનો દાવો માંડ્તા કહ્યું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હતી. જેમને કલેકટરને રજૂઆત કરી હતી, તે બાદ કલેકટરે મને(મનસુખ વસાવા)ને સમગ્ર વાત કરી હતી. સાથે જ આરોપ કર્યો હતો કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાડવાનો બાદમાં તોડપાણી કરી લેવાના!
આ સમગ્ર વિવાદનું વર્ણન કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે ‘ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રુપિયા કાઢવા કઈ રીતે? એ પછી તેમણે કલેકટરને રજૂઆત કરી હતી. બાદમાં મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટરે અને કાર્યપાલક ઈજનેરે વાત કરી અમે સ્પષ્ટ ના પાડી દીધી કે તમારે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને પણ આપવાનો નથી ચૈતર વસાવાને એક ટેવ પડી ગઈ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે, ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતાં હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે.’
ચૈતર વસાવાએ શું આપ્યો જવાબ
મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે ‘અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છીએ, અધિકારીઓ સરકારના છે કોઈપણ તપાસ માટે અમે તૈયાર છીએ, તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોઈપણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે, અમે કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું.
ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે મનસુખ વસાવાએ ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે.
આપણ વાંચો: સુરતમાં દીકરી પર બળાત્કાર-હત્યાના આરોપીને કોર્ટે છોડી મૂક્યો, પોલીસ કેમ રહી નિષ્ફળ ?



