અંકલેશ્વરમાં કોલેજમાં જાતિવાદી હુમલો: ફોર્ચ્યુનર પરનું બોર્ડ હટાવવા માટે વિદ્યાર્થીને માર મરાયો, 19 લોકો સામે ફરિયાદ દાખલ | મુંબઈ સમાચાર
ભરુચ

અંકલેશ્વરમાં કોલેજમાં જાતિવાદી હુમલો: ફોર્ચ્યુનર પરનું બોર્ડ હટાવવા માટે વિદ્યાર્થીને માર મરાયો, 19 લોકો સામે ફરિયાદ દાખલ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી એક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં જાતિવાદી લખાણ હટાવવા જેવી બાબતે વિદ્યાર્થી અને તેના મિત્રોને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તેમ જ વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધના અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અંકલેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તારી શું ઓકાત છે?… કહી માર માર્યો

અંકલેશ્વરમાં રહેતા તનુજ વસાવાએ અંકલેશ્વર નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીના 19 વિદ્યાર્થીઓ વિરુદ્ધ અંકલેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે કોલેજથી તે ઘર પરત ફરી રહ્યો હતો ત્યારે કોલેજના ગેટ પાસે કાર ઉભી રખાવી મારી કોલેજમાં સાયન્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મંથન તથા ખુશ નામના વિદ્યાર્થીએ “તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર કાર ફેરવે છે, જાતિવાદી લખાણનું બોર્ડ તારી કારમાંથી કાઢી નાખજે, નહીં તો કોલેજની બહાર કાઢી મારશું.” અને મને જાતિ વિરુદ્ધના શબ્દો કહ્યા હતા. અને મને કારમાંથી બોર્ડ હટાવવા માટે ધમકી આપી હતી.’

ફરિયાદની વિગતો અનુસાર જ્યારે તનુજ તેના ત્રણ મિત્રો સાથે તેની SUVમાં હતો, ત્યારે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ તેને કારના બોનેટ પરથી તેની જાતિ દર્શાવતી નેમપ્લેટ હટાવવા કહ્યું હતું, જો કે જ્યારે તનુજે ના પાડી ત્યારે આરોપીઓએ તેને ધમકાવ્યો, માર માર્યો અને બળજબરીથી નેમપ્લેટ કાઢી નાખી હતી.

દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓના હસ્તક્ષેપથી મામલો શાંત પડ્યો હતો. તનુજનો આરોપ છે કે આ ઘટનાના એક કલાક પછી, જ્યારે તે તેના એક મિત્રને છોડવા માટે યુનિવર્સિટીના કેમ્પસમાંથી નીકળી રહ્યો હતો ત્યારે છ કારમાં આવેલા આરોપીઓએ તેનો પીછો કર્યો હતો. તેમણે તેની કાર રોકી અને તેને બહાર ખેંચીને ફરીથી માર માર્યો હતો. ગમે તેમ કરીને તનુજ ત્યાંથી ભાગીને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યો અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કાર્યવાહી

પોલીસે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને SC/ST અત્યાચાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તનુજ કોસંબા સ્થિત આ યુનિવર્સિટીમાં બીએસસી (રસાયણશાસ્ત્ર)ના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.

આપણ વાંચો:  સુરત મોડલ આત્મહત્યા કેસ: લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button