ભરુચ

જંબુસરના દરિયામાં શ્રમજીવીઓથી ભરેલી બોટ પલટી, એકનું મોત, ૨૩ને બચાવાયા

ભરૂચ: જિલ્લાના જંબુસર નજીક આવેલા આસરસા ગામે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ONGCના ઓઇલ ડ્રિલિંગ સર્વે માટે ૫૦ જેટલા શ્રમજીવી કામદારોને લઈ જઈ રહેલી એક બોટ દરિયામાં અચાનક પલટી મારી ગઈ હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક કામદારનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે એક કામદાર હજુ પણ લાપતા છે.

મળતી વિગતો અનુસાર, આ બોટમાં કુલ ૫૦ જેટલા કામદારો સવાર હતા જેઓ ONGCના સર્વે કામગીરી માટે દરિયામાં જઈ રહ્યા હતા. બોટ પલટી માર્યાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક માછીમારો અને તંત્રની મદદથી અત્યાર સુધીમાં ૨૩ જેટલા કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન એક કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક લાપતા કામદારની શોધખોળ હજી ચાલુ છે.

આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ બોટમાં ક્ષમતા કરતાં વધુ શ્રમજીવીઓ સવાર હતા કે કેમ અથવા દરિયામાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બોટ પલટી મારી જવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે ONGC સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. લાપતા કામદારને શોધવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આપણ વાંચો:  સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે ફાળો અર્પણ કરી વીર જવાનોનો ઋણ સ્વીકાર્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button