સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં ખાડા પડતાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા…

ભરૂચઃ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ સહિત અન્ય રોડ પર મસ મોટા ખાડા પડી ગયાં હોવા બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દિશા કમિટીની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો.જો કે રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે સહિત અન્ય સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજર ન રહેતા મનસુખ વસાવા ગુસ્સે ભરાયા હતા.આ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા સુધીનો રસ્તો જ ખરાબ છે. રાજપીપળાથી અંકલેશ્વર સુધીનો રસ્તો પણ ખૂબ ખરાબ છે.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે વાળાનું કામ બગડી ગયું છે, નેશનલ હાઈવેની કચેરી વડિયા ગામમાં હોવા છતાં અધિકારીઓ બેઠકમાં આવ્યા નથી.રોડ રસ્તા બનાવવામાં નેશનલ હાઈવે જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું ધ્યાન નથી આપતા.ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીના ઘણા અધિકારીઓ બેઠકમાં ગેરહાજર હતા એ બાબતે હું કેન્દ્ર સરકારમાં રજુઆત કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેશનલ અને સ્ટેટ હાઈવેનો રસ્તો પણ ખરાબ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ બિસ્માર છે એ બાબતે તથા દિશા કમિટીની બેઠકમાં નેશનલ હાઈવેના એક પણ અધિકારી હાજર ન રહેતા હું આ બાબતે નીતિન ગડકરીને ફરિયાદ કરીશ.

ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાતો રાજપીપળાથી કેવડીયા વચ્ચેનો રોડ તદ્દન બિસ્માર બની જતા લોકાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 20 કિમીથી પણ વધુ લાંબા રોડ પર મોટા મોટા ખાડા પડી જતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.બીજી બાજુ આ રોડ બન્યે થોડો જ સમય થયો ત્યાતો ખાડા પડી જતા રોડ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યો છે.વેહલી તકે આ રોડનું સમારકામ થાય એ જરૂરી બન્યું છે.