જ્યાં ભરતીના જળથી થાય છે શિવલિંગનો સ્વયં અભિષેક: CM ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા…

ભરૂચઃ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો. આજે મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્ય પ્રધાને લોકો સાથે વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.
પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ
ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે.

આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.
દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાનો ઉદ્દેશ
તે ઉપરાંત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮૧૫ હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે.
આ પણ વાંચો…શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ઉમટ્યા ભક્તો, અહીં કરો પ્રાતઃ આરતીના દર્શન