એક જ ડિવાઇસ પરથી 1980 ફોન નંબરનો ઉપયોગ કરીને લાખોની છેતરપિંડી, ભરૂચ પોલીસે મુખ્ય આરોપીને દબોચ્યો…

મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં વૉન્ટેડ સાયબર ઠગ ઝડપાયો
ભરૂચ: સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઝારખંડના જામતારાથી જિલ્લામાંથી એક વ્યક્તિને ઝડપ્યો હતો. આ વ્યક્તિએ બે હજારથી વધુ લોકોના એકાઉન્ટ ખાલી કર્યા હતા અને આ માટે તેણે એક જ કંપનીના 1980 મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ મધ્ય પ્રદેશ અને ઝારખંડ રાજ્યોમાં છેતરપિંડીના અનેક કેસોમાં વૉન્ટેડ હતો. આરોપી અને તેના સાથીઓ ખૂબ જ ચાલક હતા. તેઓ લોકોને છેતરવા માટે ખોટી મોબાઈલ એપ્લિકેશન્સ બનાવતા હતા. તેઓ આ ખોટી એપ્સ લોકોને વૉટ્સએપ દ્વારા મોકલતા હતા. એકવાર કોઈ વ્યક્તિ આ એપ ઇન્સ્ટોલ કરે, પછી આરોપીઓ તેમની બેંકની બધી માહિતી મેળવી લેતા હતા.
લોકોની જાણ બહાર જ તેમના ખાતાનો નેટબેંકિંગ પાસવર્ડ બનાવીને તેઓ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી કુલ 5 મોબાઇલ ફોન, બેંક પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીના એક મોબાઈલ ડિવાઇસ પરથી 1980 જેટલા ખાનગી મોબાઇલ નંબરોનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો. આ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશમાં 2018 જેટલા કેસ નોંધાયેલા છે.