ભરુચ

યુકે જવા નકલી લગ્ન અને છૂટાછેડાનો ખેલ, ભરૂચમાંથી આ રીતે ફૂટ્યો ભાંડો…

ભરૂચઃ ભરૂચમાં વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકોને છેતરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપીએ વિદેશ મોકલવા માટે નકલી લગ્ન, બોગસ દસ્તાવેજ અને નકલી છૂટાછેડા આપીને પૈસાની હેરાફેરી કરતા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, જંબુસરમાં રહેતા રિઝવાન ઈસ્માઈલ મેદાએ યુકેમાં રહેતી તસ્લીમાબાનુ ઈસ્માઈલ કારભારીને પોતાની પત્ની ગણાવીને લગ્નનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ માટે તસ્લીમાબાનુ તથા અન્ય આરોપીઓ સાથે મળીને નકલી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું.

રિઝવાન મેદાએ એજન્ટ શોએબ દાઉદ ઈખરિયાનો સંપર્ક કરીને તસ્લીમાબાનુના યુકે વિઝા તેની પત્ની તરીકે એપ્લાય કર્યા હતા. ફેબ્રુઆરી 2024માં તસ્લીમાબાનુએ એજન્ટને નકલી લગ્નનું પ્રમાણપત્ર દર્શાવ્યું હતું. જેના આધારે રિઝવાનને ડિપેન્ડેન્ટ વિઝા પર યુકે બોલાવ્યો હતો. જોક બાદમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ શરૂ થયો હતો.

આ પણ વાંચો…રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્નમાં 555 નવવધૂને નકલી દાગીના આપ્યા! નોંધાઈ પોલીસ ફરિયાદ

આ દરમિયાન રિઝવાન મેદાએ પોતાને પીડિત દર્શાવી શકાય તે માટે ખોટી અરજી દાખલ કરાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે તસ્લીમબાનુના પિતરાઈ ફૈઝલ અને મૂળ કંથારિયા ગામના નિવાસી તથા હાલ કેનેડામાં રેહતા એક વકીલે ભરૂચ કોર્ટમાં નકલી છૂટાછેડા ઓર્ડર તૈયાર કરીને તેને અસલી દસ્તાવેજ તરીકે રજૂ કર્યો હતો.

યુકે જવા નકલી લગ્ન અને છૂટાછેડાનું કાવતરું સામે આવતાં જ સ્થાનિક પોલીસે ખુદ ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો. પોલીસે આ રેકેટમાં સામેલ યુકે અને કેનેડામાં રહેતા ચારેય આરોપીઓની જાણકારી બ્રિટિશ હાઈ કમીશન તથા સંબંધિત એમ્બેસીને મોકલી આપી છે. ભરૂચ પોલીસે આ ગેંગે અન્ય જિલ્લામાંથી પણ વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાની આશંકાના આધારે તપાસ શરૂ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button