મોઝામ્બિકમાં ફાટી નીકળેલી હિંસામાં ભરૂચના સીતપોણના 10 પરિવાર ફસાયા

ભરૂચઃ મોઝામ્બિક દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસવાટ કરતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. અહીં ઘણા ગુજરાતીઓ વસવાટ કરે છે. ભરૂચ જિલ્લાના અનેક શહેરના હજારો લોકો અહીં સ્થાયી થયા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના સીતપોણ ગામના અંદાજીત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી થયા છે જેમાં ગામમાં રહેતા મહેબુબ માટલીવાલા પરિવારના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં રહીને વાસણની દુકાન ધરાવે છે. સીતપોણ ખાતે રહેતા મહેબુબ માટલીવાલાએ જણાવ્યુ હતુ કે, તેમના બે ભાઈ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો લુંટી લેવાતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. જેના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Vadodara માં ભરૂચ રેપ પીડિતાના અવસાન બાદ ભાજપના સાંસદ વિરુદ્ધ પોસ્ટર વોર, પૂછ્યો આ સવાલ
મોઝામ્બિક ખાતે ભારતીય હાઈ કમિશનની વેબસાઇટ પ્રમાણે મોઝામ્બિકમાં લગભગ 20,000થી વધુ નાગરિકોના મૂળ ભારત સાથે જોડાયેલા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાત, દીવ, દમણ અને ગોવાથી મોઝામ્બિક ગયેલા છે. મોઝામ્બિકમાં ભારતીયો મોટા ભાગે હોલસેલ અને રિટેલ વેપાર સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત લગભગ 3000 ભારતીય નાગરિકો મોઝામ્બિકમાં વિવિધ કંપનીઓમાં પ્રોફેશનલ તરીકે કામ કરે છે.