ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારોની જીત

ભરૂચ: દૂધધારા ડેરીના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા હતા. જેમાં દૂધધારા ડેરીમાં 17 વર્ષથી ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલે જીત મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, મની પાવર સામે ઈમાનદારીનો પાવર જીત્યો છે. આ ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભરૂચ અને નર્મદા બંને મથકો પર 100 ટકા મતદાન નોંધાયું હતું. આયોજન ભવન બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થયા હતા.
ભરૂચ દૂધ સંઘના 900 કરોડના વહીવટ માટે કુલ 15 બેઠકો માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં રસાકારી ભર્યું મતદાન યોજાયું હતું.ભરૂચ દૂધ સંઘના ઇતિહાસમાં આ વખતની ચૂંટણી ચર્ચાસ્પદ રહી હતી. ભાજપના મેન્ડેટ વાળી ઘનશ્યામ પટેલની અને ભાજપના મેન્ડેટ વગરની અરૂણસિંહ રાણા પ્રેરિત પેનલ જંગ ખેલાયો હતો. જેમાં ઘનશ્યામ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. ઘનશ્યામ પટેલની પેનલમાંથી ભારતી બારીયા ગ્રુડેશ્વર બેઠક પરથી એક મતે વિજેતા જાહેર થયા હતા.
આ પણ વાંચો: ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી પૂર્વે સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપઃ રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ એવો બોમ્બ ફોડ્યો હતો કે ભાજપના આંતરિક ગૃહકલહ બહાર આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી છે, કારણ કે આ સંસ્થાઓ હવે પોતાના હેતુથી વિખેરાઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં ખરીદફરોત ચાલી રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે એ જ ચૂંટણી જીતશે. સાંસદનું આ નિવેદન સહકારી ક્ષેત્રમાં કાળા નાણાંના પ્રભાવ પર સીધી આંગણી મૂકે છે.