Rajkot થી ‘દક્ષિણ દર્શન યાત્રા’ સ્પેશિયલ ટ્રેન દોડશે , ઓનલાઈન બુકિંગ કરી શકાશે
અમદાવાદઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા 17મી ઓક્ટોબર 2024ના રોજથી રાજકોટથી દક્ષિણ ભારતના પવિત્ર યાત્રાધામો માટે ‘દક્ષિણ દર્શન યાત્રા’ નામે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જે 10 રાત અને 11 દિવસનો પ્રવાસ ખેડીને રાજકોટ પરત ફરશે. આ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન મુસાફરોને દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત કરાવશે. યાત્રિકોની સુવિધા ખાતર આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા યાત્રિકો EMIથી પણ પૈસા ચૂકવી શકે છે.
સ્પેશિયલ ટ્રેન આગામી 17મી ઓક્ટોબરે રાજકોટ સ્ટેશનથી ઉપડશે
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અવારનવાર મુસાફરો માટે વ્યાજબી અને આકર્ષક ટૂર પેકેજ (IRCTC Tour Package) જાહેર કરે છે. આગામી 17મી ઓક્ટોબરના રોજ આ સ્પેશિયલ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી ઉપડશે. આ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન મુસાફરોને દક્ષિણ ભારતના તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને પદ્મનાભસ્વામી મંદિર સહિતના પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત કરાવશે.
યાત્રિકો EMIથી પણ પૈસા ચૂકવી શકે
અત્યાર સુધી આવી સ્પેશિયલ ટ્રેનોમાં યાત્રિકોને પેકેજની પૂરી રકમ એડવાન્સમાં જ આપવી પડતી હતી. જોકે હવે યાત્રિકોની સુવિધા ખાતર દક્ષિણ દર્શન યાત્રા ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા યાત્રિકો EMIથી પણ પૈસા ચૂકવી શકે છે. જેના માટે મુસાફરોને 3 થી 12 મહિનાનો સરળ હપ્તો બાંધી આપવામાં આવશે. જોકે આ સુવિધા માત્ર ઑનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે જ છે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના મુસાફરોને લાભ
રાજકોટથી ઉપડનારી આ ટ્રેન ગુજરાતના સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને વાપી ઉપરાંત મહારાષ્ટ્રના વસઈ રોડ, કલ્યાણ, પૂણે અને સોલાપુર જેવા રેલવે સ્ટેશન પર થોભશે. આથી આ સ્ટેશનો પરથી મુસાફરો બેસી શકે છે.
ઑનલાઈન ટિકિટ બુકિંગ શરૂ
આ ટૂર પેકેજ માટે IRCTCની વેબસાઈટ પર ઑનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ માટે રૂ. 19,930, થર્ડ એસી માટે રૂ. 35,930 અને સેકન્ડ એસી માટે રૂ. 43,865 ભાડુ રાખવામાં આવ્યું છે.
Also Read –