ડાકોર-પ્રતાપનગર સ્ટેશનને હેરિટેજ-કલ્ચર થીમ: અપગ્રેડેશન કામગીરી પુરજોશમાં…
વડોદરા: વેસ્ટર્ન રેલ્વે દ્વારા 124 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ કરવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં 30 સ્ટેશન, વડોદરા ડિવિઝનમાં 18, રતલામમાં 19, અમદાવાદ અને ભાવનગર ડિવિઝનમાં 20-20 સ્ટેશન અને રાજકોટ ડિવિઝનમાં 17 સ્ટેશનનો સમાવેશ થાય છે. સ્ટેશનોને આધુનિક સુવિધાઓ અને વિશ્વ કક્ષાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવામાં આવશે, મુસાફરો માટે મુસાફરીના અનુભવમાં સુધારો થશે અને રેલ્વે કામગીરી વધુ કાર્યક્ષમ બનશે.
આ પણ વાંચો : Dakorમાં દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ; જગન્નાથ મંદિરના મહંતે કરાવ્યો શુભારંભ
રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની યોજનામાં વડોદરા ડિવિઝનમાં આવેલા ડાકોર, પ્રતાપનગર અને ગોધરા સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતી વખતે મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા, માળખાકીય સુવિધાઓ વધારવા અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવાનો છે.
પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સ્ટેશનને અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અપગ્રેડેશન કાર્યમાં મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે આધુનિક વેઇટિંગ રૂમ અને રેસ્ટરૂમ, સુધારેલ શૌચાલય અને પીવાના પાણીના કિઓસ્કનો સમાવેશ થાય છે. સ્ટેશન પર થતી ભીડની સ્થિતિને પહોંચી વળવા માટે વધારાના એન્ટર/એક્ઝિટ પોઈન્ટ બનાવવા આવશે. વળી સ્ટેશનની ડિઝાઇનમાં ભીંતચિત્રો અને શિલ્પો સહિત સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા તત્વોનો સમાવેશ થશે. આ સાથે જ CCTVથી સતત વોચ રાખવામાં આવશે.
પ્રતાપનગર સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી નવા સ્ટેશનમાં અનેક નવી સુવિધાઓ સાથે એક આધુનિક, પેસેન્જર-ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનાવશે. અંદાજે 43 કરોડના ખર્ચે બનનારા આ સ્ટેશનની ડિઝાઇનમાં વડોદરા શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને દર્શાવવા માટે કમાનો, પથ્થરનું કામ, લક્ષ્મી વિલાસ પેલેસના ચિત્રો જેવા સ્થાપત્ય તત્વો જોવા મળશે.
આ સ્ટેશનમાં વિકલાંગોને માટે વિશેષ સુવિધા મળી રહેશે. હેરિટેજની થીમ પર વિકસાવવામાં આવનાર સ્ટેશન જૂના એન્જિનો, બોગી અને અન્ય જૂના સાધનો સાથે પ્રતાપનગર સ્ટેશનના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરશે.
આ પણ વાંચો : ડાકોર પ્રસાદીમાં ભેળસેળના વિવાદને લઈને અમૂલના એમડીએ કર્યો ખુલાસો
આ સિવાય વેસ્ટર્ન રેલ્વે ગોધરા સ્ટેશન પર અમૃત સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ 6.18 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ટિકિટિંગ સુવિધા સાથેનો બીજા પ્રવેશદ્વારને વિકસાવવામાં આવી રહ્યું છે. જેનાથી મુસાફરોને સ્ટેશન પહોંચવામાં વધુ સરળતા રહેશે.