તિરુપતિ બાદ ડાકોરની પ્રસાદીને લઈને પણ વિવાદ: ખુદ પૂજારીએ જ કરી તપાસની માંગ…
ડાકોર: આંધ્રપ્રદેશમાં તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને હજુ દેશમાં ભારે હંગામો મચ્યો છે અને ત્યારબાદ દેશના અનેક મંદિરોમાં પ્રસાદની ગુણવતા અને પવિત્રતાને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં પણ આપવામાં આવતા પ્રસાદની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો : શ્રદ્ધાનો હો વિષય જ્યાં…સખત વિવાદ વચ્ચે પણ તિરુપતિમાં આટલા લાડુ વેચાયા
તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ચરબીને ભેળસેળ હોવાના ખુલાસા બાદ દેશમાં ભારે ઉહાપોહ મચ્યો છે. ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ પ્રસાદને લઈને વિવાદ ખડો થયો છે. રણછોડરાયના મંદિરમાં ભક્તોને આપવામાં આવતા પ્રસાદને લઈને મંદિરના એક સેવક પૂજારીએ નારાજગી દર્શાવી છે અને પ્રસાદની તપાસ તેમજ ચકાસણી કરવા માંગ કરી છે.
મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં પ્રસાદીનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો છે કે મંદિરના લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. પહેલા પ્રસાદીનો લાડુ ઘણા લાંબા સમય સુધી સારો રહેતો હતો જ્યારે હવે તો ત્રણ ચાર દિવસોમાં જ બગડી જાય છે. પહેલાના વર્ષોમાં લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનુ ઘી વાપરવાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવાં આવે છે.