ડાકોરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ આખરી તબક્કામાં, જાણો દર્શનનો સમય

ડાકોર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જોકે, ભગવાનના જન્મદિન પૂર્વે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોર જન્માષ્ટમી પૂર્વે શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં પણ ભગવાનના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ આખરી તબક્કામાં છે.

જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગૂંજી ઉઠશે
ડાકોરમાં ભગવાન કૃષ્ણને કાળિયા ઠાકરના હુલામણા નામ પણ બોલાવવામાં આવે છે. મંદિરમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરવામાં આવશે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થશે ત્યારે જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગૂંજી ઉઠશે
દિવસ દરમિયાન ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જન્માષ્ટમીના આગલા દિવસથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પગપાળા ચાલીને પહોંચે છે. જન્માષ્ટમીના દિવસે સવારે મંગળા આરતીથી ઉજવણીનો પ્રારંભ થાય છે. સમગ્ર દિવસ દરમિયાન ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાત્રે બાર વાગ્યે કૃષ્ણજન્મ થાય છે. આ સમયે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
સવારે 6. 45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે
જેમાં જન્માષ્ટમીના દિવસે મંદિર સવારે 6. 30 ખુલશે. જ્યારે સવારે 6. 45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે.તેમજ મંદિર બપોરે 1 વાગ્યે સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. જ્યારે બપોરે ઠાકોરજી પોઢી જશે. મંદિર ફરી બપોરે 4.45 વાગે ખુલશે અને સાંજે પાંચ વાગ્યે ઉત્પાથન આરતી થશે. જ્યારે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે મધરાત બાદ તિલક, પંચામૃત સ્નાન, મોટા મુગટનો શણગાર અને આરતી કરાશે. રાત્રે 2. 30 વાગે ભગવાનને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. તેમજ બીજા દિવસે નંદમહોત્સવ ઉજવવામાં આવશે.
આપણ વાંચો: પોરબંદરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વ, CM કરાવશે ધ્વજવંદન