ડાકોરમાં ૧૫૧ મણનો અન્નકૂટ ઉત્સવ: માત્ર ૧૧ મિનિટમાં 'જય રણછોડ'ના નાદ સાથે પ્રસાદની 'લૂંટ'...
આપણું ગુજરાત

ડાકોરમાં ૧૫૧ મણનો અન્નકૂટ ઉત્સવ: માત્ર ૧૧ મિનિટમાં ‘જય રણછોડ’ના નાદ સાથે પ્રસાદની ‘લૂંટ’…

ડાકોર: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે, રાજાધિરાજ શ્રીરણછોડરાયજીને પરંપરા મુજબ ૧૫૧ મણનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અનોખા ઉત્સવમાં વર્ષોની પ્રથા મુજબ આસપાસના ૭૫ ગામના ક્ષત્રિય સમાજના લોકોને આ પ્રસાદ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ માત્ર ૧૧ મિનિટમાં સમગ્ર અન્નકૂટના પ્રસાદને ‘જય રણછોડ’ના નાદ સાથે લૂંટી લીધો હતો.

મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, સવારે ગોવર્ધન પૂજા સંપન્ન થયા બાદ ઘુમ્મટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરી ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. ૧૫૧ મણના આ અન્નકૂટમાં કેસર, ચોખા, બેસન, મોરસ સહિતની વિવિધ વાનગીઓ, શુદ્ધ ઘીની મીઠાઈઓ, બુંદી, ભાત, જલેબી અને સફરજન જેવાં ફળોનો મહાપ્રસાદનો સમાવેશ કરાયો હતો. ખાસ કરીને ટોચ પર સવા કિલોનો બુંદીનો લાડુ પધરાવીને સજાવટ કરવામાં આવી હતી.

બપોરે ૧૨ વાગ્યે અન્નકૂટ પીરસવામાં આવ્યા બાદ બપોરે ૨:૦૦ કલાકે મંદિરનાં દ્વાર આમંત્રિત ક્ષત્રિય ભાઈ-બહેનો માટે ખોલવામાં આવ્યા હતા. દ્વાર ખૂલતાંની સાથે જ ભક્તો ‘જય રણછોડ’ના નાદ સાથે અન્નકૂટ લૂંટવા માટે તૂટી પડ્યા હતા. ભારે ઉત્સાહ અને શ્રદ્ધા વચ્ચે લગભગ ૧૧ મિનિટમાં જ ૧૫૧ મણનો સમગ્ર પ્રસાદ લૂંટી લેવામાં આવ્યો હતો. આ અદ્ભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં અન્ય શ્રદ્ધાળુઓ પણ મંદિરમાં ઊમટી પડ્યા હતા.

અન્નકૂટ લૂંટ અહીં એટલા માટે લખવાનું કારણ કે આ લૂંટ ઉત્સવ અને ભક્તિના અર્થમાં છે, જેમાં ઉમંગ, ઉત્સાહ અને આસ્થા ધરબાયેલી છે. આ એક એવા પ્રકારની ભક્તિ છે, જેમાં જીત ભક્તિની થાય અને પ્રસાદ બને છે પરંપરાની ઓળખનો. વાસ્તવમાં રણછોડરાયનો અન્નકૂટ લૂંટ મહોત્સવ એ ભક્તિની લૂંટ અને શ્રદ્ધાનો ઉત્સવ છે, જ્યાં હજારો ભક્તોની સાથે પોલીસ પણ હાજર રહે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button