ગરબાનો પાસ અપડેટ કરવાનું કહી ગઠિયો યુવતીના એક લાખ પડાવી ગયો…
અમદાવાદઃ ગુજરાતમાં સૌ કોઈ નવરાત્રીના રંગમાં રંગાયેલા છે અને ગરબા રમવા વિવિધ ઠેકાણે હજારોના પાસ ખર્ચી જાય છે ત્યારે વડોદરાની એક યુવતીને સાયબર ગઠિયાએ પાસના નામે છેતરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
આ પણ વાંચો : તહેવાર ટાણે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: તંત્રમાં દોડધામ
વડોદરા શહેરના એક હેરિટેજ ગરબાના પાસની ડિલીવરીનું સરનામું ખોટું હોવાનું કહી ભેજાબાજે મોબાઇલ હેક કરી રૂ. એક લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
સુરત-હજીરા રોડની ટાઉનશીપમાં રહેતી અને વડોદરાની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતીએ 14મી સપ્ટેમ્બરના રોજ બુક માય શૉ એપ્લિકેશન મારફતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજના ગરબાનો ઓનલાઇન એક પાસ રૂ. 1452માં વડોદરાના ન્યુ નીલામ્બર સર્કલ નજીક પોતાની ઓફિસના સરનામે બુક કરાવ્યો હતો. દરમિયાનમાં 30મી સપ્ટેમ્બરના રોજ સરનામું ખોટું હોવાથી પાસની ડિલીવરી થઇ શકશે નહીં એવો મેસેજ આવ્યો હતો. યુવતીએ કુરિયર સર્વિસ સેન્ટર પર ફોન પણ કર્યો હતો.
કોલ રિસીવ કરનારે પોતાનું નામ સંજીવ હોવાનું જણાવી નવું સરનામું અપડેટ કરાવવા ચાર્જીસ પેટે પાંચ રૂપિયા ભરવા પડશે એમ કહી એક લીંક મોકલાવી હતી. યુવતીએ લીંક ઓપન કરી પેમેન્ટ કર્યુ હતું પણ થોડી જ મિનિટોમાં તેને જાણમાં આવ્યું હતું કે તેના ખાતામાંથી રૂ. એક લાખ ઉપાડાઈ ગયા હતા. યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઈમ સેલ વારંવાર કહે છે કે અજાણી લીંક પર ક્લિક ન કરો અને કોઈ અજાણ્યા નંબર સાથે તમારી બેંક ડિટેઈલ શેર ન કરો.