ગુજરાતમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ, રાજકોટમાં હત્યાના પ્રયાસના આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત…
રાજકોટ: છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કસ્ટોડીયલ ડેથ નોંધાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે અનેક સવાઓ ઉભા થયા છે. એવામાં રાજકોટમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ નોંધાયું છે, શુક્રવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના પ્રયાસ આરોપીને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ આરોપીની અટકાયત કરે તે પૂર્વે જ તેને આંચકી આવતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો.
દેરાસરમાં પૂજા કરી રહેલા વ્યક્તિ પર હુમલો:
થોડા દિવસ પૂર્વે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પંચનાથ વિસ્તારમાં દેરાસરમાં પૂજા કરી રહેલા અમિત સગપરિયા નામના વ્યક્તિ ઉપર તેના જ જૂના મકાન માલિક ભાવેશ ગોળ નામના વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા થઇ ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ મુજબ હત્યાના પ્રયાસ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ જુલાઈ માસમાં પણ અમિત સગપરીયા નામના વ્યક્તિ ઉપર હુમલો કરવા બાબતે ભાવેશ ગોલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પણ હત્યાના પ્રયાસ બાબતેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો:
શુક્રવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના પ્રયાસ આરોપી ભાવેશ ગોલને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારના રોજ પોલીસ આરોપીની અટક કરે તે પૂર્વે જ તેને આંચકી આવતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે આરોપી ભાવેશ ગોળને મૃત જાહેર કર્યો હતો. આમ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થવાના કારણે સમગ્ર ઘટનાની તપાસ ડીસીપી ઝોન 2 દ્વારા એસીપી દક્ષિણને સોંપવામાં આવી છે. સાથે જ મૃતક ભાવેશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં મારમારતા બે વ્યક્તિના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા ASI અશ્વિન કાનગડ દ્વારા માર મારવામાં આવતા હમીર રાઠોડ સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાની ઘટના બની હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અશ્વિન કાનગડ નામના પોલીસ અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી હતી.