Anand માં ગોળા જેવો શંકાસ્પદ અવકાશી પદાર્થ દેખાતા લોકોમાં કુતૂહલ
આણંદઃ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘણીવાર આકાશમાંથી અવનવા પદાર્થો પડવાની ઘટનાઓ સર્જાઇ છે. ત્યારે વધુ એકવાર આણંદના(Anand)કુંજરાવ ગામે ગોળા જેવી શંકાસ્પદ વસ્તુ પડતા તે જોવા માટે ઘટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થયા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોળો ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
સૂત્રોના પાસેથી મળતી મહિતી મુજબ આણંદ જિલ્લામાં કુંજરાવ ગામના મોરીકુવા વિસ્તારમાં આવેલા ખેતરમાં ગુરુવારે આકાશમાંથી નાના દડા જેવો શંકાસ્પદ અવકાશી પદાર્થ પડતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. ગોળા જેવા અવકાશી પદાર્થી અંગે ગામના સરપંચ વહીવટી તંત્રને જાણ કરતાં એફએસએલ, ખંભોળજ પોલીસ સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
તપાસ અને અભ્યાસ કરવામાં આવશે
આ ગોળો અવકાશી પદાર્થ છે કે કેમ અથવા અવકાશી ઉપગ્રહનો ભંગાર છે કે કેમ વગેરે બાબતોને લઇને તંત્ર દ્વારા તપાસ અને અભ્યાસ કરવામાં આવશે. જેમાં નાશ પામેલા અવકાશયાન અને ઉપગ્રહો, પેલોડ્સ છોડનારા રોકેટના તબક્કાઓ, મૃત ઉપગ્રહો, ઉપગ્રહ વિસ્ફોટો અને અથડામણોનો સમાવેશ થઈ શકે છે.
અગાઉ વર્ષ 2022 માં આવી ઘટના સામે આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે અગાઉ વર્ષ 2022 માં મે મહિનામાં આણંદ જિલ્લાના દાગજીપુરા, જીતપુરા અને ખાનકુવા વિસ્તારમાં પડેલા ફૂટબોલના ગોળા જેવા રહસ્યમયી અવકાશી પદાર્થ પડવાની ઘટના બની હતી.