'શ્રાવણ'ના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટીઃ 'હર હર ભોલે'ના નાદથી ગૂંજી ઊઠ્યું | મુંબઈ સમાચાર

‘શ્રાવણ’ના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટીઃ ‘હર હર ભોલે’ના નાદથી ગૂંજી ઊઠ્યું

સોમનાથઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી શુભારંભ થયો હતો. શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી અભિભૂત બન્યા હતા.

અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ યોજાશે. મંદિર પરિસર “હર હર ભોલે” અને “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે ખાસ કરીને બિલ્વ પત્ર સુવિધા જે રૂ. 25માં ટ્રસ્ટની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી હતી, જે પૂજાનો લાભ શ્રાવણ માસમાં 3 લાખથી વધુ લોકો ઘર બેઠા લેવાના છે. આ ઉપરાંત, પ્રસાદ અને પૂજાવિધિના કાઉન્ટર પણ બમણા કરી દેવામાં આવ્યા છે.

તે સિવાય બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન પણ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય તેમના માટે પણ ખાસ ગોલ્ફ કાર્ટ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે આ વર્ષે અલગ રંગની ગોલ્ફ કાર્ટ સિનિયર સિટીઝન માટે રિઝર્વ રાખવામાં આવશે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મંદિર આવવાના મુખ્ય માર્ગને પણ વન વે કરી દેવામાં આવ્યો છે.

દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા દરરોજ સવારે 5:30 કલાકે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમવાર અને તહેવારના દિવસોમાં મંદિર વહેલી સવારે 4 કલાકે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સંધ્યા આરતી સમયે પણ દરરોજ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરાશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button