બોલો મગરમચ્છ ભાદરના વહેણથી 6 કિમી દૂર ખેતરમાં પહોંચ્યો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ભગાભાઈ સાવલિયાના કપાસના ખેતરમાં એક વિશાળકાય મગરમચ્છ જોતા જ લોકોમાં ભારે ભયની લાગણી પ્રસરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળ ભાદર નદીના પાણીના વહેણથી આશરે ૬ કિલોમીટર દૂર છે અને મગરમચ્છ સામાન્ય રીતે જળાશયોની આસપાસ જ હોય છે. આ અંગેની જાણ પાટણવાવના સરપંચે વનવિભાગને કરતા મહાકાય મચ્છરને ફોરેસ્ટ ઓફિસરે બે કલાકની જહેમત બાદ આ મગરમચ્છને પકડયો હતો અને ગીર જંગલમાં તેને મુક્ત કરાયો હતો.
આ અંગે ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે આ મહાકાય મગરમચ્છ શિકાર કરીને પેટ ભરે છે, ભાદર નદી,ડેમ વિસ્તાર ધોરાજી પંથકમાં તે જોવા મળતો હોય છે પરંતુ તે પાણીમાં કે પાણીની નજીકમાં જ હોય છે, પ્રથમવાર પાણીથી આટલો દૂર મગરમચ્છ જોવા મળ્યો છે.
હાલમાં ભાદર નદીમાં ચોમાસાના વિરામ પછી પણ પાણી વહી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ગીર જંગલના સિંહ, દિપડાં સહિતના વન્ય પ્રાણીઓ તો વાડી,ખેતર અને ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દેખાતા હોય છે, હવે મગરમચ્છે પણ દેખા દીધી છે.