કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ

નવસારીઃ કચ્છના દરિયાકાંઠે વારંવાર બિનવારસુ ડ્રગ્સ પેક્ટ્સ મળી આવ્યા છે, પરંતુ ગુજરાતમાં હવે ઘણા દરિયા કિનારા છે જ્યાંથી ડ્રગ્સ મળી આવે છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને વેરાવળથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવે છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સના 50 જેટલા બિનવારસી પેકેટ મળી આવ્યા છે.
જોકે આ પહેલીવાર નથી, અગાઉ સુરત, વલસાડમાં પણ ડ્રગ્સ મળી આવ્યું છે ત્યારે હવે નવસારી જિલ્લાના દરિયા કિનારેથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઓંજલ ગામ નજીકથી આ પેકેટ મળી આવ્યા છે.
દરિયા કિનારેથી અલગ-અલગ પેકેટ મળી આવ્યા
નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ નવસારી પોલીસ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઓંજલ ગામના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે 50 જેટલા પેકેટ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
મોડી સાંજે જથ્થો મળી આવતા એફએસએલ, એસઓજી અને મામલતદાર સહિતની ટીમો દરિયા કિનારે દોડી ગઈ હતી. જ્યાં મોડી રાત સુધી પંચનામુ કરી નશીલા પદાર્થોનો જથ્થો કબજે લેવાની કાર્યવાહી પોલીસે કરી હતી. છેલ્લી મળતી વિગતો મુજબ બિનવારસી મળી આવેલા જથ્થામાં કયા પ્રકારના નશીલા પદાર્થ છે? કેટલા કિલોગ્રામ જથ્થો મળ્યો છે? તેની કિંમત કેટલી છે.? જેવા તમામ સવાલોના સાચા જવાબો પોલીસ તપાસ બાદ બહાર આવશે.
કચ્છના દરિયાકિનારેથી સૌથી વધુ ચરસના પેકેટ ઝડપાયા
ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ ચરસના બિનવારસી હાલતમાં પેકેટ કચ્છના ક્રિક વિસ્તારમાથી મળી આવ્યા છે. પોલીસને છાશવારે આવા ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવે છે, જેમાં આરોપીઓ બહુ ઓછા પ્રમાણમાં ઝડપાયા છે.