ગેમઝોન કાયદેસર કરવા ભલામણ કરનાર ભાજપના કોર્પોરેટરને ક્રાઇમ બ્રાન્ચથી તપાસનું તેડું
રાજકોટ : રાજકોટ અગ્નિકાંડને (Rajkot Gamezone) લઈને ચાલી રહેલી તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, રોજ નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે જ ભાજપના એક કોર્પોરેટર દ્વારા ગેમઝોનને કાયદેસર કરવા કરાયેલી ભલામણ અંગેની વાતનો ખુલાસો થયો હતો. ત્યારે આજે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીને (Nitin Ramani) ક્રાઇમ બ્રાન્ચ તરફથી તપાસનું તેડું આવ્યું છે. આજે ક્રાઇમ બ્રાન્ચતેનું નિવેદન લેશે.
રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ દુર્ઘટનાને લઈને હાલ તપાસનો દોર ચાલી રહ્યો છે, આ મામલે અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ બનાવને લઈને ઘટસ્ફોટ થઈ રહ્યા છે, મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની તપાસમાં ભાજપના કોર્પોરેટરની ભૂમિકાને લઈને પણ ખુલાસો થયો હતો. જેમાં નીતિન રામાણીનું નામ ખૂલ્યું હતું.
ગેમઝોનના બાંધકામમાં ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરાવવા માટેના બનાવમાં નીતિન રામાણીનું નામ બહાર આવ્યું છે, જો કે ભાજપના કોર્પોરેટર નીતિને રામાણીએ જણાવ્યું હતું કે TRP ગેમઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ જૈનના કાકાએ આ ભલામણ કરી હતી. એ બાદ જ્યારે પ્રકાશ અને યુવરાજ મને મળેલા ત્યારે ઇમ્પેક્ટ ફી માટે મેં તેમને આર્કિટેક્ટ નીરવ વરુ સાથે મુલાકાત કરાવી હતી. પરંતુ તેના બે મહિના પછી ગેમ ઝોનના સંચાલકો મારી પાસે પરત આવ્યા હતા અને આર્કિટેક્ટ કામ ન કરતા હોવાનું કહ્યું હતું. એમાં ફરી આર્કિટેક્ટને ફોન કરીને પૂછવામાં આવતાં તેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવ્યું હતું.
નીતિન રામાણીએ વધુમાં આ અંગે કહ્યું હતું કે બાંધકામ ગેરકાયદેસર હતું કે નહિ તે બાબતે મને કોઈ જાણકારી નથી . મને તો બસ પ્રકાશના કાકાએ ભલામણ કરેલી એટલે મે પ્રકાશની મુલાકાત આર્કિટેક્ટ સાથે કરવી હતી.