વિશ્ર્વકપ ફાઈનલ જોવા અમદાવાદ પહોંચશે ક્રિકેટ રસિકો: મેટ્રો રાત્રે ૧ વાગ્યા સુધી દોડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્ર્વ કપની ફાઈનલ મેચને લઇને ગજબનો ક્રેઝ જોવા મળે છે ત્યારે મોટાભાગની હોટલોમાં રૂમો બુક થઇ ગઇ છે, હોમ સ્ટે માટે પણ પડાપડી થઇ રહી છે અને યેનકેન પ્રકારેણ મેચ જોવા ટિકીટ મેળવી અમદાવાદ પહોંચવા ક્રિકેટ રસીયાઓ તલપાપડ થઇ રહ્યાં છે તે જોઇને મેટ્રોના સત્તાવાળાઓએ રવિવારે રાત્રે ૧ વાગ્યા સુધી મેટ્રો ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
અમદાવાદ પોલીસ સહિત વહિવટી તંત્ર દ્વારા પણ વિશ્ર્વકપને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ હોવાથી ક્રિકેટ રસિકોનો ભારે ધસારો જોવા મળી શકે છે, જેને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ સેવા ૧૯ નવેમ્બરે રાત્રે ૧ વાગ્યા સુધી દોડાવવાના નિર્ણયની જાહેરાત કરાઇ છે. અમદાવાદ મેટ્રો રેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૯ નવેમ્બરે વિશ્ર્વકપની ફાઈનલ મેચ હોવાના કારણે મેચ નિહાળવા જઇ રહેલા પ્રેક્ષકોને જવા અને ઘરે પરત ફરવામાં કોઇ અગવડ ન પડે એ માટે ખાસ સુવિધા પૂરી પાડવામાં આવશે. મેચના દિવસે મેટ્રો રેલ સવારે ૬.૨૦ વાગ્યાથી રાત્રીના ૧ વાગ્યા સુધી દોડાવવામાં આવશે. મેચના દિવસે રાત્રે ૧૦ વાગ્યા પછી તમામ મેટ્રો સ્ટેશન પર માત્ર એક્ઝિટ ગેટ જ ઓપન રાખવામાં આવશે. તેમજ મોટેરા સ્ટેડિયમ મેટ્રો અને સાબરમતી મેટ્રો સ્ટેશન ખાતે જ માત્ર રાત્રે ૧ વાગ્યા સુધી એન્ટ્રી ગેટ ઓપન રાખવામાં આવશે એમ પણ વધુમાં જણાવ્યું છે.
તેમજ મેચના દિવસે ટિકિટ ખરીદીમાં ધસારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે પેપર ટિકિટની સુવિધા પણ શરૂ કરાશે જે રૂ. ૫૦ના ફિક્સ રેટ પર રાત્રીના ૧૦ વાગ્યા પછી કોઇપણ સ્ટેશન સુધીની મુસાફરી કરવા માટે ખરીદી શકાશે એમ મેટ્રો રેલ્વેના સત્તાવાળાઓએ જણાવ્યું છે.