ભેળસેળ કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરો: ભાજપના જ ધારાસભ્યોનો સીએમને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. કુમાર કાણાનીએ તંત્રના આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત મનપાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે આગામી વિધાનસભા સત્રમાં આવા ભેળસેળીયાઓ સામે કડક કાયદો બનાવવાની માગ કરી છે. એટલું જ નહીં પરંતુ આવી ઘટનાઓમાં લોકોમાં કાયદાનો ડર રહે તે માટે માનવવધનો ગુનો નોંધવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.
સુરત વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાણાનીનો ફરી એક લેટર બોમ્બ સામે આવ્યો છે. અવારનવાર પ્રજાના પ્રાણ પ્રશ્ર્નો અને સમસ્યાઓ અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખી જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાણાનીએ મનપા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાણાનીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેળ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. કારણ કે કાયદો પાંગળો થઈ ગયો છે, જેના કારણે ભેળસેળ કરનારા લોકો બેફામ બન્યા છે.
તેમણે પત્રમાં વધુ કહ્યું હતું કે, ભેળસેળ કરવાની સાથે સાથે હવે તો ખાદ્ય-સામગ્રી પણ નકલી બનાવવી લોકોના આરોગ્ય અને જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. ફડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મનપાના આરોગ્ય વિભાગની નિષ્ક્રિય કામગીરી અને બેદરકારીના કારણે લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે. એટલું જ નહીં પરંતુ નકલી ખાદ્ય સામગ્રી બનાવનારા હવે ફાટીને ધુમાડે ગયા છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેત ઉત્પાદનમાં વપરાતી દવાઓનો ઉપયોગ ન કરવા માટે અને પ્રાકૃતિક ખેતી માટેના પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેના કારણે માનવ જિંદગી રોગમુક્ત રહે અને સ્વસ્થ જીવન જીવી શકે. પરંતુ ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરી અને નકલી બનાવટો બનાવી લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. આવા લોકો સામે માનવ વધનો ગુનો નોંધવા વિધાનસભા સત્ર દરમિયાન કડક કાયદો બનાવવામાં આવે તેવી રજૂઆત છે.
કાનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે જે કામ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગનું છે, તે કામ પોલીસે કરવું પડે છે. જે ખૂબ જ શરમજનક બાબત છે. ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ અને નકલી બનાવટો પર નિયંત્રણ અને કાર્યવાહી કરવી તે મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંતુ આરોગ્ય અને ફૂડ વિભાગની ગંભીર બેદરકારી છતી થવા પામી છે.જ્યાં શહેરમાં ભેળસેળ યુક્ત
ખાદ્ય સામગ્રી અને ખોરાકનું વેચાણ થઈ રહ્યું છે.