પાટિલના કાર્યક્રમમાં “ઘેરહાજર” રહેલા સુરત ભાજપના 55 કોર્પોરેટરોને ભાજપની નોટિસ…
સુરત: કલોલ નગરપાલિકામાં ભાજપના અસંતોષ અને લાફાકાંડ બાદ હવે સૂરતમાં ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. મહાનગરપાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના 55 કોર્પોરેટરોને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સુરતનાં અડાજણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ. 77.08 કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના EWS આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલભાઇ અને પાલિકાના સ્થનિક નેતાઓ હાજર રહ્યા હતા. કુલ 327 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. જોકે મનપાના આવાસ ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના કોર્પોરેટરોને નોટિસ પાઠવવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને ખુલાસો કરવાં તાકીદ કરવામાં આવી છે.
એકસાથે ભાજપના 55 કોર્પોરેટરોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જવાબો પાર્ટી પ્રમુખને સોંપ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. હાલ તો એક સાથે 55 જેટલા કોર્પોરેટરનો ખુલાસો માંગવામાં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.