રાજ્યના ૨.૧૮ લાખ શિક્ષકોને સી.પી.આર. તાલીમ અપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યમાં પોલીસને સી.પી.આર.થી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય સી.પી.આર.તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૬ હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં ૭૭ હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના ૫૩,૮૦૦થી વધુ શિક્ષકોને સી.પી.આર. તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં કુલ ૨.૧૮ લાખ જેટલા શિક્ષકોને સી.પી.આર. તાલીમ અપાઈ છે. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળીને કે.જી. થી પી.જી. સુધીના ૨.૧૮ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મિનિટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. ત્રણ તબક્કામાં યોજાયેલી આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સી. પી.આર.) તાલીમ હેઠળ ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનિંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાઈ હતી. સી.પી.આર. તાલીમ અંગે ખાસ મુહિમ હાથ ધરાઈ હતી. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું હતું.