માતાના મઢ ખાતે યાત્રાળુઓ ફેંકેલા વાસી ખોરાકથી ત્રણ ગાયોના મોતથી અરેરાટી
ભુજ: કચ્છના જગવિખ્યાત માતાના મઢ નજીક આવેલા પીડબલ્યુડીના ગેસ્ટ હાઉસની બહાર વાસી ખોરાક આરોગી ગયેલી ત્રણ ગાયોના ખોરાકી ઝેરની અસરથી મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
આ ઘટના અંગે હિન્દુ યુવા સંગઠનના મંત્રી ઘનશ્યામસિંહ સોઢાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક લકઝરી બસના સંચાલકો દ્વારા યાત્રાધામ ખાતે આવેલા યાત્રિક સંઘને હંગામી રસોડું બનાવવા માટે માતાના મઢથી લખપત તરફ જતા માર્ગ પર આવેલા પીડબલ્યુડી ગેસ્ટ હાઉસને ભાડે આપવામાં આવ્યું હતું. આ યાત્રિક સંઘ દ્વારા રાંધવામાં આવેલા જમણના વધેલા ભાતના ઢગલાને ફેંકવામાં આવ્યા હતા જે ખાવાથી ત્રણ ગાયને ફૂડ પોઇઝનિંગ થયું હતું અને તેમને સારવાર અપાય તે પહેલાં જ તરફડીને મોતને ભેટી હતી.
આ પણ વાંચો :Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામમાં મેળાનો એકઠો થયેલો ટોક્સિક કચરો આરોગી જવાથી દસેક ગાયોના મોત નીપજ્યાં હતાં. મોડી રાત્રે માલિકો દ્વારા ગાયોને બહાર રઝળતી મૂકી દેવાય છે, જેના કારણે આ પ્રકારનો અખાદ્ય કચરો ખાઈ જવાથી આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે જેથી માલિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેમ ઘનશ્યામસિંહ સોઢાએ ઉમેર્યું હતું.