રાજકોટ અગ્નિકાંડમાં કોર્ટનું કડક વલણ, 3 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ

રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં 33 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણ આરોપીઓ યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા હતા. માહિતી મુજબ, આરોપીઓને થર્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની (B.P. Thacker) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટમાં સરકારી વકીલ જણાવ્યું હતું કે, મોતનો આંકડો હજુ વધી શકે છે. ગેમઝોનમાં કેટલા કર્મીઓ હતા તેની પણ આરોપીઓએ માહિતી આપી નથી. આરોપીઓ તપાસમાં યોગ્ય સહયોગ આપતા નથી. આ 3 આરોપી પૈકીનો યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. યુવરાજસિંહ સોલંકીએ રડીને અફસોસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ TRP અગ્નિકાંડમાં (Rajkot Game Zone Tragedy) બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકોના મૃત્યું થયા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.