માયાભાઈનો દીકરો જયરાજ જેલમાંથી આવશે બહાર, કોર્ટે જામીન કર્યા મંજૂર…

મહુવાઃ નવનીત બાલધિયા કેસમાં જેલમાં બંધ જયરાજ આહીર આજે સાંજ સુધીમાં બહાર આવી શકે છે. મહુવા કોર્ટે જયરાજ આહીર સહિત 6 શખ્સોના શરતી જામીન મંજૂર કર્યા હતા. જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર કરી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમાં આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. 14 દિવસ બાદ જયરાજ આહીર જેલમાંથી બહાર આવશે.
થોડા દિવસ પહેલાં નવનીત બાલધીયાએ જિલ્લા જેલમાં બંધ જયરાજ આહીર ને વૈભવી સુવિધા મળતી હોવાનો આક્ષેપ કરી ડીજીપીને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું. જયરાજ આહીર સહિતના અન્ય શખ્સોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જયરાજને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વીવીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માંગ કરી હતી.
જેલમાં બંધ જયરાજને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી હતી. જયરાજ જેલમાં આવેલા પુસ્તકાલયમાં પુસ્તકો વાંચીને દિવસ પસાર કરતો હતો. જયરાજને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને આફટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ તેને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી હતી. જયરાજની ધરપકડ બાદ કોળી સમાજને ફટાકડા ફોડી તથા સત્યમેવ જયતેના નારા લગાવી ઉજવણી કરી હતી.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
આ પણ વાંચો…બગદાણા કેસના આરોપી જયરાજ આહીરને જેલમાં VVIP સુવિધાઓ સામે ઉઠ્યા સવાલ
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.



